રાજ્યમાં રૂપાલાનો વિરોધ યથાવત, વડોદરા,સુરેન્દ્રનગર-નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના લાગ્યા બેનરો

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થતાની સાથે જ હવે ગુજરાતમાં ત્રીજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થઇ ગયા છે. આ વચ્ચે રાજકોટમાં ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઇને એક રેલીમાં ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ વકર્યો હતો. હવે રાજ્યમાં સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. રૂપાલાના વાણી વિલાસથી ક્ષત્રિય સમાજ લાલઘુમ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના શેખપર ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. લખતરના દેવળીયા ગામમાં પણ ક્ષત્રિય સમાજના યુવકોએ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાના-નાના ગામડાઓ સુધી વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.રૂપાલાના વિરોધને પગલે ભાજપના ઉમેદવારને પ્રચાર કાર્યક્રમમાં વિલંબ થઇ રહ્યો છે. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ પરત ખેચવામાં આવે. રૂપાલાની ટિકિટ પરત ખેચવામાં નહીં આવે તો ભાજપને આગામી ચૂંટણીમાં મત આપવામાં નહીં આવે.

બીજી તરફ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં પણ ભાજપનો વિરોધ જોવા મળી રહ્યો છે. રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઇ પણ કાર્યકરો કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવી બોર્ડ સમસ્ત રાજપૂત સમાજ માંગરોલ દ્વારા મારવામાં આવ્યા છે. નાંદોદ તાલુલાના ગોપાલપુરા, રામપુરા, શહેરાવ, માંગરોલ ગામમાં ભાજપના નેતા કે કાર્યકરોના પ્રવેશબંધીના બેનર મારવામાં આવ્યા છે.

વડોદરા માંજલપુરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરૂદ્ધ બેનર લગાવવામાં આવ્યા છે. રૂપાલાની તસવીર પર ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો હતો. રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યા સુધી ભાજપના કોઇ પણ કાર્યકર કે આગેવાનોએ માંજલપુરમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર પણ લગાવવામાં આવ્યા હતા.

FOLLOW US ON :
Share Our Post