ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ રોમાંચક મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ જોવા માટે હાજર રહેશે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ૨૦૨૩ની ફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ વધારે યાદગાર બની રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વડાપ્રધાન મોદી ખાસ હાજર રહેવાના છે. હજુ સુધી વડાપ્રધાનનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આવ્યો નથી પરંતુ આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા સત્તાવાર પત્રકાર પરિષદ કરીને માહિતી આપવામાં આવશે.આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આ મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આશા છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ડેપ્યુટી પીએમ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ જોવા માટે આવશે. જો કે, હજુ બંને તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમશે. જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.