ભારત દેશમાં પુણે ખાતે વેક્સિન ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સાયરસ પૂનાવાલાને હાર્ટ-એટેક આવ્યો છે. અહીંની એક હોસ્પિટલમાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. ડૉક્ટરોએ શુક્રવારે જણાવ્યું હતું કે 82 વર્ષીય પૂનાવાલાને ગુરુવારે હાર્ટ-એટેક આવ્યો હતો.
રુબી હોલ ક્લિનિકના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પુરવેઝ ગ્રાન્ટે જણાવ્યું હતું કે સાયરસ પૂનાવાલાને હળવો કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. હોસ્પિટલના કન્સલ્ટન્ટ અલી દારૂવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડૉ સાયરસ પૂનાવાલાને 16 નવેમ્બરના રોજ હળવો કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને શુક્રવારે સવારે રુબી હોલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે ડૉ.પૂનાવાલાની એન્જિયોપ્લાસ્ટી ડૉ.પૂર્વેઝ ગ્રાન્ટ, ડૉ.મેકલે અને ડૉ.અભિજિત ખર્ડેકરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને તબિયત સારી છે. ડૉ. પૂનાવાલા સાયરસ પૂનાવાલા ગ્રુપના ચેરમેન પણ છે, જેમાં વેક્સિન બનાવતી કંપની SII પણ સામેલ છે.
થોડા દિવસો પહેલાં જાહેર કરાયેલા ‘360 વન વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2023’માં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક સાયરસ એસ. પૂનાવાલા રૂ. 2.78 લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને યથાવત્ રહ્યા હતા. HCLના શિવ નાદર રૂ. 2.28 લાખ કરોડની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે અને ગોપીચંદ હિન્દુજા રૂ. 1.76 લાખ કરોડની સંપત્તિ સાથે પાંચમા સ્થાને રહ્યા હતા